Saturday, February 11, 2012


માણસ નામે મીંડું થઇ ને પાડું છું હું રાત

સાંજ પડે ને પાંપણ નાં પારેવા થાકે
આંખ મીચું ત્યાં સળવળ થાતી સપનાઓ ની જાત
માણસ નામે મીંડું થઇ ને પાડું છું હું રાત

અંધારાની ઘટના જેવું એક અડાબીડ જંગલ ભાસે
ચારેબાજુ કરતુ ભીસંભીસ
આંખો નાં આ ખાબોચિયામાં ખળખળ થાતી ઉભરાતી જો
ગળા વચોવચ રૂંધાતી કોઈ ચીસ
છાતીમાં હું સંઘરી રાખું શ્વાસો ની બસ ઘાત

ગામ વચોવચ રેતીનાં એક ઢગલા માફક ઉભો રહું ત્યાં
મળતી તારા પગલાઓ ની છાપ
સ્થિર બનીને જોયા કરવી આવન જાવન એક હરફ
ના ઉચ્ચરવાનો આ તે કેવો શાપ
નહીતર હુંયે અપન બેના કેટલા ગીતો ગાત


--નિખિલ જોશી

 

Friday, October 14, 2011













સત્યમેવ જયતે
સત્ય તો જાણે શીંગ ના ફોતરા
ચાવીને થૂંકી દીધેલ પાન ની પિચકારી જેવું
બીડી ફૂંકીને ઉડાડી દીધેલ ધુમાડા જેવું
નફફટ નઘરોળ એક ભૂંડ
બીજા ની વિષ્ટા ચાટતું ફરતું એ જનાવર
એના પગ ના પાછલા હિસ્સા થી દીવાલ પર
ઉડેલા કાદવ જેવું સત્ય
છેક હાડકા ના પોલાણ સુધી ચૂંથી ચાંટીને
ફેકી દીધેલ માંસ ના ટુકડા સમું સત્ય
જર્જરીત ચીથરા માંથી  ડોકા કાઢતા 
અંગો ને પણ નખ વડે નોચતા
પડેલા ઉજરડા સમાન સત્ય
ગામના ઉકરડે શ્વાન દ્વારા કરાતી
ખેચતાણ માં લીરેલીરા થતા
કચરા જેવું સત્ય
દલાલ અને ગ્રાહક ના સોદા માં વેચાતા
લોહી અને  શ્વાસ ની બાદબાકી સમું સત્ય
રોશની થી ચમકતા શહેર ના અંધારે ખૂણે
લૂંટાતી આબરૂ  જેવું અદ્દલ સત્ય
ભૂખ થી ટળવળતા  પેટ માં
પાંસળીઓ વચ્ચે રિબાતી લાચારી જેવું સત્ય

બધી તૈયારી થઇ ગઈ  છે આઘા ખસો
ટોળે ના વળો, શોર ના મચાવો
આ તો ખાલી એક નવું પાટિયું ચિતરાવીને
અહી મુકવાનું છે એની બબાલ છે
થઇ જશે શાંતિ થી કામ
લાગી જશે પાટિયું
ઘણા ચિત્રકારો અહી ભેગા થશે 
એમાં ખાલી એટલુજ લખવાનું છે પાટિયા પર કે
સત્યમેવ જયતે
ખરેખર સાલું ઘણું ગજબ છે
આટલી અમથી વાતમાંતો
વાત વાતમાં કેટલા લોકો ભેગા થઇ ગયા !!!

--નિખિલ જોષી

joshinikhil2007@gmail.com 





 




Thursday, October 13, 2011

Guj Poem















પતંગિયા ની ટોળી

શ્વાસ ની સાથે સાથે
ઉડાઉડ કરતા પતંગિયાઓ ની એક ટોળી
વારે વારે બેસીને ઓશીકે
નીંદર ને ગામ ઘર બનાવે
ધૂળ ના એક બગીચા માં
છાતીએ વળગાડી એમને
સમજાવું ઘણું, કરગરું ઘણું
પણ માને તો ને !

છાનામાના આવી આ પતંગિયા
રોપે છે તારી સુવાસ મારા શ્વાસ માં
ગામ ને ચોરે જઈને
વડલા નીચે ભેગા થઈને બેઠેલા
ગામલોકો ની વચ્ચે જઈને
કરે છે પાંખો નો પમરાટ
ને પછી આખાય ગામ માં
સંચરતો સળવળાટ


ઘર ની ઘરડી દિવાલો પર ઊંઘતા અરીસા ને
ખબર ના પડે એમ લપાતો
નીકળી જાઉં હું ઘર ની બહાર
ને તોય આંગણા માં  આડે આવી ને ઊભતી
ઉંબર ની એક ચીસ
ફળિયું આમ ફેંદી ફેંદી ભૂસવા મથતો
પતંગિયા ના પગલા ની છાપ
પાછો વળું ત્યાં થી જ.



અગાશી ની કોરે થી ડોકા કાઢતો ચંદ્ર
મારી બારીએ ઉગેલા અંધારા ને ચીડવે
બારણા ની તિરાડ  માંથી અંદર પ્રવેશવા
હાથાપાઈ કરતો પવન પણ મોડી રાતે
થાકીને ઓસરી માં આડો પડતો

દિવાલ ને પેલેપાર અંદર હું
પગથી માથા લગ ચાદર તાણીને
ટેરવે ઉપસેલા તારા સ્પર્શને સંતાડતો
બારણા પર લટકતી સાંકળ ને તાકતો
સૂર્ય આળસ મરડી ઉઠે એની રાહ જોતો

સવારે જાત એકઠી કરી
પગ માંડુ આંગણથી આગળ નીકળતી
ઘાસ ઊગેલ કેડી પર
ને અહી પણ ફરી હજી પાછી
એનીએજ પતંગિયા ની ટોળી
મારા ખિસ્સા માં આવી ને બેસે
ને ઉગે છે પાંખ
મારા પગ ને જાણે 
તારી કને ઉડીને આવવા માટે.


--નિખિલ જોશી
joshinikhil2007@gmail.com

Monday, March 28, 2011

Hari Tu Kevo Kalakaar

HARI TU KEVO KALAKKAR
a new age shreenathji experience
MY LATEST MUSIC ALBUM

Saturday, October 30, 2010

Monday, October 25, 2010

my video of a translation project


Original English poem by Ray Hearne
Gujarati Translation by Falguni Bharteeya
Music, Recitation and Sung by Nikhil Joshi
Video created by Nikhil Joshi

Wednesday, December 2, 2009

ફરી ફરી --સંજય ચૌહાણ (વડનગર)



ફરી ફરી

--સંજય ચૌહાણ (વડનગર)

ઘેરી વળ્યા છો ને બધા ખંજર ધરી ધરી

ફૂલો અમે તો વહેચશું ખોબો ભરી ભરી

ખુલ્લા રહે છે દ્વાર ઘરના આવજો કદી
જગ્યા નથી પણ આશરો આપું જરી જરી

આફત મળે સામે અડીખમ હું ઉભો રહું
જીવ્યો નથી હું કોઈ પળ અમથો ડરી ડરી

મોટા થવાની વાતમાં ખોટું કરો નહી
સાચું હશે તો આવશે ઉપર તરી તરી

માઠો સમય હો કોઈનો દોડી જતા રહો
અવસર મદદનો ના મળે પાછો ફરી ફરી



Wednesday, October 7, 2009

ખાલીપણાનો ભાર છે ---નિખિલ જોશી


ખાલીપણાનો ભાર છે
એનો જ તો આભાર છે

એના વિષે હું શું કહું?
એ તો સમજદાર છે

આંખ માં ખૂંપી રહી
સ્વપ્નની એ ધાર છે

શાહી છે બસ ત્યાં લગી
આ કલમ ઓજાર છે

એક મુઠ્ઠી ઝાંઝવા
કે બધે વ્યાપાર છે

સાવ સૂની શેરીઓમાં
બંધ બધ્ધા દ્વાર છે

એક ભીના સ્પર્શનો
સંઘર્યો આધાર છે

સ્મિત ઝાંકળનું અહી
ફૂલ નો શણગાર છે

ઉજાગરાની ઓથમાં
આંખનો નિખાર છે

બૂંદ થઇ બેસી શકું
એટલો વિસ્તાર છે

મૂડી બચી છે આટલી
એ ઝંખના બે-ચાર છે

સંવેદનાના નામ પર
જ્યાં જુઓ ત્યાં ઠાર છે

સુર્યતાપે ગુલમહોરે
છાવની બોછાર છે

ગર્ભના આ શ્વાસમાં
અણદીઠો કો તાર છે

મધ્યદરિયે નાવનો
સઢ પરે મદાર છે

દુશ્મનોની ધારણામાં
દોસ્ત નો આ વાર છે

એ બધા ઉજવી રહ્યા
એ અમારી હાર છે

ભેટ આપ્યો તે કિનારો
ને તુંજ પેલે પાર છે

શાંત છે સઘળી દિશા
યુદ્ધનો અણસાર છે

હું ભજું કે તું પઢે
એક સઘળો સાર છે

---નિખિલ જોશી

Saturday, May 2, 2009

મધરાતે નિન્દરને ગામ –નિખિલ જોશી


મધરાતે નિન્દરને ગામ



મધરાતે નિન્દરને ગામ જુઓ કેવુ તો ફાટી રે નિકળ્યુ તોફાન
સપના ના જુંડ સામે લડવાને જંગ મે તો આંસુ ને સોપ્યુ સુકાન



આંસુ ની જાત સખી એવી તે કેવી અડકો જરાક ત્યાજ પાણી પાણી
કોણ લાવ્યુ આખ્યુ ના ઉંડા કૂવેથી એને પાંપણની પાળ લગી તાણીતાણી
અન્ધારે ડુબ્યો રે ઓરતા નો સૂરજ ને છાતીમા વસતુ વેરાન



સપનાના જુંડનુ તો એવુ જૂનૂન જાણે છાતીમા ધસમસતુ ધણ
ઘરના અરિસાઓ શોધે છે સમટા ખોવાયુ જે એક જણ
રુવાડે બટકેલી બેઠી છે ઇચ્છાઓ ઉમ્બરનુ જાળવવા માન



–નિખિલ જોશી

Thursday, April 30, 2009

જુરાપા નુ ઝાડ--- નિખિલ જોષી




જુરાપા નુ ઝાડ --- નિખિલ જોષી
છાતી ની અધવચ્ચે ઉગ્યુ જુરાપા નુ ઝાડ
કેવી ઉંચી કાટાળી આ કૂદી શકૂ ના વાડ

મને ખબર ના તને ખબર છે કયા લગ આવુ જુરવુ
આથમવાની ટેવ પડી ગઇ કેમ કરીને ઉગવુ
ભીંસીને છે વાસી સાકળ ખૂલે નહી કમાડ

મુઠીભર આ લાગણીઑ નુ કેટ્કેટ્લુ જોર
પાપણમા એ જીલમીલ જીલમીલ રૉજ મચાવે શોર
ના પોસાશે આપણને આ સપનાઓના લાડ
થોકબન્ધ આ સ્મરણૉને જૉ ખીસ્સામા સંઘરીયે
હાલક ડૉલક નાંવ મળી છે કાંઠાને કરગરિયે
વસમા છે કાઇ ઓળન્ગવા આ ઇચ્છાઓ ના પહાડ

--- નિખિલ જોષી

Friday, February 1, 2008

what do you think..

Hello friends...

Do you think Gujarati Kavita has marked it's own existence in the world of literature?
then send you comments on nikhileshjoshi@yahoo.co.in

-Nikhil Joshi

Thursday, January 17, 2008

HELLO FRIENDS,
THIS BLOG WILL VERY SOON PROVIDE YOU INFORMATION ON NEW GUJARATI POEMS.
SO KEEP VISITING THIS BLOG, SEND YOUR COMMENTS AND ENJOY 'NAVI GUAJARATI KAVITA'.

-NIKHIL JOSHI.
E-MAIL:nikhileshjoshi@yahoo.co.in