Friday, October 14, 2011













સત્યમેવ જયતે
સત્ય તો જાણે શીંગ ના ફોતરા
ચાવીને થૂંકી દીધેલ પાન ની પિચકારી જેવું
બીડી ફૂંકીને ઉડાડી દીધેલ ધુમાડા જેવું
નફફટ નઘરોળ એક ભૂંડ
બીજા ની વિષ્ટા ચાટતું ફરતું એ જનાવર
એના પગ ના પાછલા હિસ્સા થી દીવાલ પર
ઉડેલા કાદવ જેવું સત્ય
છેક હાડકા ના પોલાણ સુધી ચૂંથી ચાંટીને
ફેકી દીધેલ માંસ ના ટુકડા સમું સત્ય
જર્જરીત ચીથરા માંથી  ડોકા કાઢતા 
અંગો ને પણ નખ વડે નોચતા
પડેલા ઉજરડા સમાન સત્ય
ગામના ઉકરડે શ્વાન દ્વારા કરાતી
ખેચતાણ માં લીરેલીરા થતા
કચરા જેવું સત્ય
દલાલ અને ગ્રાહક ના સોદા માં વેચાતા
લોહી અને  શ્વાસ ની બાદબાકી સમું સત્ય
રોશની થી ચમકતા શહેર ના અંધારે ખૂણે
લૂંટાતી આબરૂ  જેવું અદ્દલ સત્ય
ભૂખ થી ટળવળતા  પેટ માં
પાંસળીઓ વચ્ચે રિબાતી લાચારી જેવું સત્ય

બધી તૈયારી થઇ ગઈ  છે આઘા ખસો
ટોળે ના વળો, શોર ના મચાવો
આ તો ખાલી એક નવું પાટિયું ચિતરાવીને
અહી મુકવાનું છે એની બબાલ છે
થઇ જશે શાંતિ થી કામ
લાગી જશે પાટિયું
ઘણા ચિત્રકારો અહી ભેગા થશે 
એમાં ખાલી એટલુજ લખવાનું છે પાટિયા પર કે
સત્યમેવ જયતે
ખરેખર સાલું ઘણું ગજબ છે
આટલી અમથી વાતમાંતો
વાત વાતમાં કેટલા લોકો ભેગા થઇ ગયા !!!

--નિખિલ જોષી

joshinikhil2007@gmail.com 





 




Thursday, October 13, 2011

Guj Poem















પતંગિયા ની ટોળી

શ્વાસ ની સાથે સાથે
ઉડાઉડ કરતા પતંગિયાઓ ની એક ટોળી
વારે વારે બેસીને ઓશીકે
નીંદર ને ગામ ઘર બનાવે
ધૂળ ના એક બગીચા માં
છાતીએ વળગાડી એમને
સમજાવું ઘણું, કરગરું ઘણું
પણ માને તો ને !

છાનામાના આવી આ પતંગિયા
રોપે છે તારી સુવાસ મારા શ્વાસ માં
ગામ ને ચોરે જઈને
વડલા નીચે ભેગા થઈને બેઠેલા
ગામલોકો ની વચ્ચે જઈને
કરે છે પાંખો નો પમરાટ
ને પછી આખાય ગામ માં
સંચરતો સળવળાટ


ઘર ની ઘરડી દિવાલો પર ઊંઘતા અરીસા ને
ખબર ના પડે એમ લપાતો
નીકળી જાઉં હું ઘર ની બહાર
ને તોય આંગણા માં  આડે આવી ને ઊભતી
ઉંબર ની એક ચીસ
ફળિયું આમ ફેંદી ફેંદી ભૂસવા મથતો
પતંગિયા ના પગલા ની છાપ
પાછો વળું ત્યાં થી જ.



અગાશી ની કોરે થી ડોકા કાઢતો ચંદ્ર
મારી બારીએ ઉગેલા અંધારા ને ચીડવે
બારણા ની તિરાડ  માંથી અંદર પ્રવેશવા
હાથાપાઈ કરતો પવન પણ મોડી રાતે
થાકીને ઓસરી માં આડો પડતો

દિવાલ ને પેલેપાર અંદર હું
પગથી માથા લગ ચાદર તાણીને
ટેરવે ઉપસેલા તારા સ્પર્શને સંતાડતો
બારણા પર લટકતી સાંકળ ને તાકતો
સૂર્ય આળસ મરડી ઉઠે એની રાહ જોતો

સવારે જાત એકઠી કરી
પગ માંડુ આંગણથી આગળ નીકળતી
ઘાસ ઊગેલ કેડી પર
ને અહી પણ ફરી હજી પાછી
એનીએજ પતંગિયા ની ટોળી
મારા ખિસ્સા માં આવી ને બેસે
ને ઉગે છે પાંખ
મારા પગ ને જાણે 
તારી કને ઉડીને આવવા માટે.


--નિખિલ જોશી
joshinikhil2007@gmail.com